શામળાજી વિષ્ણુ મંદિર
શ્રી શામળાજી મંદિર ગુજરાતના ત્રણ મહત્વના કૃષ્ણ તીર્થધામો પૈકીનું એક છે. આ મંદિર સુંદર કલાકૃતિઓ અને ચતુર્ભુજ વિષ્ણુની મનોરમ્ય મૂર્તિ ના કારણે પ્રસિદ્ધ છે. જેમ દ્વારકાને સમુદ્રનું સાનિધ્ય મળ્યું છે તેમ શામળાજી ડુંગરો, મનમોહક વનરાજી, અને મેશ્વો નદીનું સાનિધ્ય ધરાવે છે. મંદિરની અતિ સુંદર શિલ્પ - સ્થાપત્ય યુક્ત રચનાઓમાં કાળિયા ઠાકોરની નયનરમ્ય મૂર્તિ ખૂબ જ આકર્ષક છે.
અર્વાચીન કાળમાં આ આદિવાસીઓની કેળવણી માટેની સુંદર આશ્રમ શાળા અને મેશ્વો બંધ તથા ભગવાન કાળિયાઠાકરનું મંદિર જે મોટા હાથીઓની પ્રતિકૃતિ વાળા દરવાજામાં દાખલ થતાં જ સામે વિશાળ ચોક વચ્ચે સપ્તપલ દેવાલય રૂપે પ્રગટ થાય છે. ગુજરાતમાં પંદરમી સદીમાં બંધાયેલા મંદિરોમાં શામળાજી મંદિર સર્વોત્તમ છે .જોકે અત્યારે મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે પણ મંદિરના પ્રાચીન સ્વરૂપ તથા સૌંદર્યને જાળવી રાખવામાં આવ્યું છે. ખંડિત શિલ્પોના સ્થાને નવા ઉમેરવામાં આવ્યા છે પણ તે મૂળને અનુરૂપ હોય તેનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. મંદિરના બાંધકામમાં ચૌલુક્ય શૈલી જળવાયેલી છે. ગજ્જર અને ઉપર તોરણ વાળા મુખ્ય પ્રવેશદ્વાર સામે જ મંદિરના મુખ્ય પગથિયા - પ્રવેશ દ્વાર - સભાખંડ સામે જ ગર્ભદ્વાર અને સામે દેવ મૂર્તિ એવી રચના કરવામાં આવેલી છે દેવ સમક્ષ અત્યંત સુંદર ગરુડની મૂર્તિ છે.
મંદિર સભામંડપ, અંતરાલ અને ગર્ભદ્વારા એવા ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. અંદરની દીવાલો ઓછા શિલ્પોવાળી છે થાંભલા ઉપર વિવિધ કંદોરા અને સ્તંભો કલામય છે. અંદરના સ્તંભો નીચેની ઉપર ચોરસ, અષ્ટકોણ અને ગોળાકાર એમ ત્રણ ભાગમાં વહેંચાયેલા છે. જેના ઉપર ફૂલની આકૃતિઓ છે. બહારની દીવાલો તો દેવી-દેવતાઓની મૂર્તિઓ, માનવીની, પ્રાણીઓની તથા ફૂલની આકૃતિઓ થી ભરેલી છે. જેમાં મહાભારત, રામાયણ અને ભાગવતના પ્રસંગો તથા પુરણવર્તીત લીલાઓ, ચોપાસ દિશાઓના શાસ્ત્રોક્ત પરંપરા જાળવીને ઇન્દ્ર, અગ્નિ, વરુણ, શિવ, ગણેશ, વાયુ તેમજ સરસ્વતી, ચંદ્રિકા, ઈન્દ્રાણી વગેરેની પ્રતિમાઓ છે. જેમાં કુબેરનું શિલ્પ નોંધપાત્ર છે. નાના થતા જતા અને પ્રવેશ ન થઇ શકે તેવા માળ પરથી રચાયેલ આ સપ્તપ્રસાદ વિશાળ છે. મંદિરમાં તાંબાના પતરા પર કોતરાયેલા બે લેખ મળ્યા છે તે પરથી ૧૭૬૨માં થયેલા જીણોદ્વાર ની નોંધણી જાણ થાય છે.
આ લેખ પરથી જણાય છે કે મૂળ આ મંદિર બલરામજી નું હતું તેમાં ત્રિવિકુમ સ્વરૂપની કૃષ્ણ શામળાજીની મૂર્તિ કદાચ પાછળથી પ્રસ્થાપિત કરાઈ હશે. કાળા આરસ માંથી બનાવેલી આ જ ચતુર્ભુજ વિષ્ણુ પ્રતિમા લગભગ સવા મીટર ઊંચી છે. તેની સામે જ કાળા પથ્થર ની અંજલીમુદ્રાયુક્ત માવકૃતિ તથા ગરુડની કાળા આરસની સુંદર મૂર્તિ છે. આ સ્થળ ગુજરાતના પવિત્ર તેમજ ઐતિહાસિક ઉપરાંત અત્યંત રમણીય અને અસાધારણ શિલ્પ સૌંદર્યના કારણે અનેક પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. અમદાવાદથી ૧૨૦ કિલોમીટર હિંમતનગર થી 48 કિલોમીટરના અંતરે આવેલા આ સ્થળે કારતક માસમાં ભરાતો આદિવાસીઓનો મેળો ગુજરાતના સૌથી મોટા અને જાણીતા મેળામાંનો એક અને મેળામાં 'હાલો શામળાજીના મેળે રણઝણિયું વાગે' ગાતા અને નાચતા આદિવાસીઓને જોવા એ અનેરો લ્હાવો છે.
Photo: Internet
Great efforts.....Sir.
ReplyDelete